Lyrics
સુહાયે મસ્તકે ગંગા, વળી મધુ ચંદ્ર માણે છે,
શરીરે પુષ્પની માળા સમા સર્પો સુહાયે છે.
પરમ શોભા બની જેની, લજાયે કામ જ્યાં લાખો,
નમું એવા સદાશિવને, હૃદયમાં રૂપને રાખો.
નથી ઐશ્વર્યની તુલના, પતિ બ્રહમાંડના જે છે,
મધુર છે રૂપ જેનું તોય ત્યાગી રૂપમાં રહે છે.
સદાયે સિદ્ધ ને યોગીન્દ્ર જેને પૂજતા લાખો,
નમું એવા સદાશિવને, ચરણમાંહે મને રાખો.
મહાકૈલાસના વાસી વળી આત્મા તણા રાગી,
ભર્યા કરુણા થકી ત્યાગી, છતાંયે ખૂબ વરણાગી.
બધીયે રિદ્ધિ સિદ્ધિ ભુક્તિ મુક્તિ ભક્ત પર નાંખો,
નમું એવા સદાશિવને, હૃદયમાં રૂપને રાખો.
જગત કલ્યાણ કાજે જે હરખતાં નીલકંઠ થયા,
અનંગ કર્યો રતિસ્વામી, ઉમાની સાથ તોય રહ્યા.
ચરણ એ દેવ મારા મસ્તકે મધુરાં સદા રાખો,
નમું એવા સદાશિવને, ચરણમાંહે મને રાખો.
તમે ના હોત તો ગંગા મળત ના મર્ત્ય આ જગને,
તમે ઝીલી શક્યા તેને જટામાં દિવ્યશક્તિ એ.
લભી તે દિવસથી ગંગા કરે છે પુણ્યમય લાખો,
નમું એવા સદાશિવને, હૃદયમાં રૂપને રાખો.
કરી મજ્જન અને જલપાન લોકો પુણ્ય મેળવતા,
બની ઐશ્વર્યશાળી ને સુખી ને વૈભવી બનતા.
બને છે દૂત યમના જેમની પાસે ખરે માખો,
નમું એવા સદાશિવને, ચરણમાંહે મને રાખો.
કહે છે મૂર્ખ માનવ જડ તમોને તે કહે છોને,
નિહાળી પ્રેમ હાલો છો, વળી બોલો મધુર બોલે.
નથી વિશ્વાસ પણ જગને, જગતમાં લાખ છે શાખો,
નમું એવા સદાશિવને, હૃદયમાં રૂપને રાખો.
કરે જો પ્રાર્થના ભાવે, ભજે તમને સદા રાગે,
બને ના તો તમારૂં રૂપ પ્રેમી પાસ ના જાગે.
ભગતનો વ્યાજ સાથે પ્રેમ વાળી દો તમે આખો,
નમું એવા સદાશિવને, ચરણમાંહે મને રાખો.
મહા ત્યાગી છતાંય ઉમા કરે સેવા તમારી તો,
વળી બ્રહ્માંડના પતિ છો, છતાં એકાંતવાસી છો.
ન સમજે મૂર્ખ જન તમને, મને ના ભ્રાંતિમાં નાંખો,
નમું એવા સદાશિવને, હૃદયમાં રૂપને રાખો.
તમારી હો કૃપા મંગલમયી એ એક આશા છે,
ઉમા-શંકર તમારા દ્રષ્ટિ સુખની ફક્ત આશા છે.
સુણી પોકાર મારો આવજો પ્રેમે કરી પાંખો,
નમું એવા સદાશિવને, ચરણમાંહે મને રાખો.
- શ્રી યોગેશ્વરજી