Gujarati Songs

Lyrics

થાય સરખામણી તો ઉતરતાં છીએ,
તે છતાં આબરૂને દીપાવી દીધી.
એમના મહેલને રોશની આપવા,
ઝૂંપડી પણ અમારી જલાવી દીધી.

ઘોર અંધાર છે આખી અવની ઉપર,
તો જરા દોષ એમાં અમારો ય છે.
એક તો કંઇ સીતારા જ ન હોતા ઊગ્યા,
ને અમે પણ શમાઓ બુઝાવી દીધી.

બીક એક જ બધાને હતી કે અમે,
ક્યાંક પહોંચી ન જઇએ બુંલદી ઉપર,
કોઇએ પીંજરાની વ્યવસ્થા કરી,
કોઇએ જાળ પંથે બિછાવી દીધી.

કોઇ અમને નડ્યા તો ઉભા રહી ગયા,
પણ ઉભા રહી અમે કોઇને ના નડ્યા,
ખુદ અમે તો ન પહોચીં શક્યા મંઝિલે,
વાટ કિન્તુ બીજાને બતાવી દીધી.

જોઇને રણ ઉપરનાં સૂકાં ઝાંઝવાં,
અમને આવી ગઇ કંઇ દયા એટલી,
કે નદીઓ હતી જેટલી અંતરે
આંખ વાટે બધીયે વહાવી દીધી.

કોણ જાણે હતી કેવી વર્ષો જૂની,
જિંદગીમાં અસર એક તનહાઇની,
કોઇએ જ્યાં અમસ્તું પૂછ્યું – કેમ છો ?
એને આખી કહાની સુણાવી દીધી.

દિલ જવા તો દીધું કોઇના હાથમાં,
દિલ ગયા બાદ કિંતુ ખરી જાણ થઇ,
સાચવી રાખવાની જે વસ્તુ હતી,
એ જ વસ્તુ એમ તો લૂંટાવી દીધી.

જીવતાં જે ભરોસો હતો ઈશ પર,
એ મર્યા બાદ બેફામ સાચો પડ્યો,
જાત મારી ભલેને તરાવી નહીં.
લાશ મારી પરંતુ તરાવી દીધી.

- બરકત વીરાણી ‘બેફામ’