LYRICS
નયનને બંધ રાખીને મેં જયારે તમને જોયાં છે,
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયાં છે
ઋતુ એક જ હતી પણ રંગ ન્હોતો આપણો એક જ
મને સહરાએ જોયો છે બહારે તમને જોયા છે,
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયાં છે … નયનને બંધ રાખીને ..
પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઈ,
નહીં તો મેં ઘણી વેળા સવારે તમને જોયાં છે,
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયાં છે … નયનને બંધ રાખીને ..
હકીકતમાં જુઓ તો એય એક સપનું હતું મારું,
ખૂલી આંખે મેં મારા ઘરના દ્વારે તમને જોયાં છે,
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયાં છે … નયનને બંધ રાખીને ..
નહીંતર આવી રીતે તો તરે નહિ લાશ દરિયામાં,
મને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે,
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયાં છે … નયનને બંધ રાખીને ..
- બરકત વીરાણી ‘બેફામ’