Artist: Osman Mir
Lyrics: Avinash Vyas
માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો,
જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો …. માડી તારું કંકુ
મંદિર સર્જાયુ ને ઘંટારવ ગાજ્યો,
નભનો ચંદરવો માએ આંખ્યુંમાં આંજ્યો,
દિવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો …. માડી તારું કંકુ
માવડીની કોટમાં તારાના મોતી,
જનનીની આંખ્યુમાં પૂનમની જ્યોતિ,
છડી રે પૂકારી માની મોરલો ટહુક્યો,
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો … માડી તારું કંકુ
માવડીના રથના ઘૂઘરા બોલ્યા,
અજવાળી રાતે માએ અમૃત ઢોળ્યાં,
ગગનનો ગરબો માના ચરણોમાં ઝૂક્યો,
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો …. માડી તારું કંકુ
- અવિનાશ વ્યાસ