Gujarati Songs

કંકોતરી

LYRICS

કંઠસ્થ ગઝલો એમણે મારી કરી તો છે,
એને પસંદ છો હું નથી, શાયરી તો છે,
વરસો પછીય બેસતાં વરસે હે દોસ્તો,
બીજું તો ઠીક એમની કંકોતરી તો છે.
*
મારી એ કલ્પના હતી કે વીસરી મને,
કીંતુ એ માત્ર ભ્રમ હતો થઇ ખાતરી મને,
ભૂલી વફાની રીત ના ભૂલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોત્રી મને.

સુંદર ના કેમ હોય કે સુંદર પ્રસંગ છે,
કંકોત્રીમાં રૂપ છે, શોભા છે, રંગ છે,
કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ,
જાણે ગુલાબી એના વદનના જવાબ સમ,

રંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ,
જાણે કે પ્રેમ કાવ્યોની કોઇ કિતાબ સમ.
જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી,
શીર નામ મારું કીધું છે ખુદ એના હાથથી.

કંકોત્રીથી એટલું પુરવાર થાય છે,
નિષ્ફળ બને જો પ્રેમ તો વહેવાર થાય છે,
જ્યારે ઉઘાડી રીતે ના કાંઇ પ્યાર થાય છે,
ત્યારે પ્રસંગ જોઇ સદાચાર થાય છે.

દુઃખ છે હજાર તોય હજી એ જ ટેક છે,
કંકોત્રી નથી આ અમસ્તો વિવેક છે,
ભૂલી વફાની રીત ના ભૂલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોત્રી મને.

આસીમ હવે વાત ગઇ, રંગ પણ ગયો,
તાપી તટે થતો હતો એ સંગ પણ ગયો,
હાથોની છેડછાડ ગઇ, વ્યંગ પણ ગયો,
મેળાપની એ રીત ગઇ, ઢંગ પણ ગયો.

હું દિલની લાગણીથી હજી પણ સતેજ છુ,
એ પારકી બની જશે હું એનો એ જ છું.
ભૂલી વફાની રીત ના ભૂલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોત્રી મને.

- આસીમ રાંદેરી

Wal-Mart.com USA, LLC CheapOair Brand Logo